ચિંચાઇ ઉદ્વહન સિંચાઇ યોજનાને પુનઃજીવીત કરાશેઃ આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકર
વલસાડ તાલુકાના ચિંચાઇ ખાતે ૨૦ વર્ષ પહેલાં મંજૂર થયેલી ઉદવહન સિંચાઇ યોજનાને પુનઃ જીવીત કરવા માટે તમામ પ્રયાસો હાથ ધરાશે, એમ ફલધરાના જલારામધામ વિદ્યામંદિર હોલ ખાતે યોજાયેલા ૧૮ ગામના ખેડૂતોની યોજાયેલી સભા દરમિયાન વન અને આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું.
આદિજાતિ મંત્રી રમણલાલ પાટકરે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે સતત પ્રયત્નશીલ છે. ખેડૂતોને સમયસર પાણી મળતું થાય તેની જવાબદારી સરકારની છે. લોકોના ઊભા થયેલા પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ થાય તે માટે સતત કાર્યરત આ સરકાર આજે સરકાર ગ્રામ્યસ્તરે જઇ લોકસંપર્ક કરી લોકપ્રશ્નોને વાચા આપી રહી છે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, જળસંચય વિભાગના મંત્રીને સાથે રાખી ચિંચાઇ ઉદ્વહન સિંચાઇ યોજનાને પુનઃજીવીત કરવાની કાર્યવાહી ટૂંક સમયમાં શરૂ કરાશે. જે માટે કાર્યપાલક ઇજનેરને આ યોજના હેઠળ પાણી આપવા માટે કરવાની થતી તમામ કાર્યવાહીનો રીપોર્ટ તૈયાર રાખવા તેમજ અગાઉ કરાયેલી પાઇપલાઇનમાં કયા કયા પોઇન્ટ ઉપર લીકેજ છે અને તેના માટે શું કરી શકાય તેનો અહેવાલ બનાવવા પણ જણાવ્યું હતું. આ કામગીરીમાં ગ્રામજનોને પણ સહકાર આપવા અનુરોધ કર્યો હતો. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, દમણગંગા નહેરનું ડાબાકાંઠાનું પાણી આ વિસ્તારના ખેડૂતોને મળે તે માટે ૪૪૭૩ હેક્ટર જેટલી જમીનમાં સિંચાઇનું પાણી આપવાનું આયોજન કરાયું છે. સિંચાઇની સુવિધા વધતાં ખેડૂતોને પણ ફાયદો થશે. ફલધરાનું જલારામધામ પ્રવાસન-યાત્રાધામ તરીકે વધુમાં વધુ વિકાસ પામે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.
આ અવસરે ધારાસભ્યો સર્વ કનુભાઇ દેસાઇ અને અરવિંદભાઇ પટેલે રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તારના ખેડૂતોના પ્રશ્નો હલ કરવા માટે કટિબધ્ધ છે તેમ જણાવી આ યોજના માટે તમામ ખેડૂતમિત્રોને સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.
આ અવસરે વલસાડ તાલુકાના ૧૮ ગામોની ચિંચાઇ ઉદ્વહન સિંચાઇ યોજનાના સંઘ પ્રમુખ ફૂલસિંગભાઇ પટેલે સિંચાઇ યોજના અંગેની જાણકારી આપી આ વિસ્તારના ખેડૂતોનો પ્રશ્નનું સત્વરે નિરાકરણ આવે તેવી રજૂઆત મંત્રીશ્રી સમક્ષ કરી હતી. તેમની રજૂઆત સંદર્ભે મંત્રીશ્રીએ આપેલા હકારાત્મક અભિગમથી સંતોષ વ્યક્ત કરી આભારની લાગણી વ્યક્ત કરી હતી.
- સ્વાગત પ્રવચનમાં શાળાની ધોરણ ૬માં ભણતી વિદ્યાર્થીની સ્તુતિકુમારીએ સૌને આવકાર્યા હતા.
- આ અવસરે ચિંચાઇ ઉદવહન સિંચાઇ યોજનામાં સમાવિષ્ટ ૧૮ ગામોના સરપંચશ્રીઓ, ખેડૂતમિત્રો હાજર રહયા હતા.
- પ્રારંભમાં જલરામધામ વિદ્યામંદિરના બાળકોએ પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કર્યું હતું.
- સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભરતભાઇએ તેમજ આભારવિધિ ફલધરાના સરપંચ નૈનેષભાઇએ કરી હતી.
ખોરાક અને ઔષધ નિયમનતંત્ર દ્વારા વલસાડ જિલ્લાના ૩ વેપારીઓ સામે ભેળસેળના કેસ કરાયા
વલસાડના ખોરાક અને ઓષધ નિયમનતંત્રના ફુડ સેફટી ઓફિસરો કુ.વી.ડી.પટેલ, જી.બી.પટેલ તેમજ બી.બી.વાવૈયા દ્વારા માહે જૂન ૧૮ માસ દરમિયાન વિવિધ ખાદ્ય પદાર્થોના નમુનાઓ પૈકી ૬ નમૂનાઓનું પરિણામ નિયમાનુસાર નહીં આવતાં સંબંધિત વેપારીઓ સામે ભેળસેળના કેસો કરાયા છે. જેમાં હિના ટ્રેડર્સ, જી.આઇ.ડી.સી. ઉમરગામના નવીનભાઇ પેથારાજ ગાલા પાસેથી મરચું પાવડર લૂઝ તથા કોરીએન્કર પાવડર લુઝનો નમૂનો અનસેફ ફુડ, મે. એસ.નરેન્દ્રકુમાર એન્ડ કું.પલગામ-તા.ઉમરગામના પ્રવિણભાઇ છગનભાઇ સીસોદીયા પાસેથી ડબલ તડકા બ્રાન્ડ તુવેરદાળ, ડબલ ગજરાજ ચના દાળ તેમજ બાબા ઇન્ડસ્ટ્રીઝ કોરા ચનાદાળના નમૂનાઓ મીસબ્રાન્ડેડ જ્યારે સોહનજી ડુંગરની રબારી દ્વારા વલસાડ ખાતે ચલાવાતા આહાર સેન્ડવીચ એન્ડ ચાઇનીઝ પાર્લરમાંથી લૂઝ બટરનો લેવાયેલો નમૂનો સબસ્ટાન્ડર્ડ જણાતાં ઉક્ત ત્રણેય વેપારીઓ સામે ભેળસેળના કેસ કરાયા છે. તંત્ર દ્વારા માહે જૂન-૧૮ માસ દરમિયાન નગરપાલિકા વિસ્તારમાંથી ૪ અને ગ્રામ્ય વિસ્તારમાંથી ૪ નમૂનાઓ એકત્ર કરાયા હતા. તે ઉપરાંત અગાઉના બાકી ૧૯ નમૂનાઓની લેબોરેટરી ચકાસણી દરમિયાન નગરપાલિકા વિસ્તારના ૯ નમૂના પાસ અને એક નમૂનો નાપાસ જ્યારે ગ્રામ્ય વિસ્તારના ૧૩ નમૂનાઓ પાસ અને પ નમૂનાઓ નાપાસ થયા હતા. નાપાસ થયેલ નમૂનાઓ સામે સંબંધિત વેપારીઓ સામે એફ.એસ.એસ.એ. એક્ટ હેઠળ કાર્યવાહી કરી નોટિસ આપવામાં આવી હતી.
વલસાડ જિલ્લામાં મોસમનો સરેરાશ ૭૨.૪૬ ઇંચ વરસાદ
વલસાડ જિલ્લામાં તા.૨૨મી જુલાઇ, ૨૦૧૮ના રોજ સવારે ૬-૦૦ વાગ્યા સુધીમાં પૂરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન વલસાડ તાલુકામાં ૯૦ મી.મી., પારડીમાં ૪૦ મી.મી., વાપીમાં ૧૯ મી.મી., ઉમરગામમાં ૧૧ મી.મી., ધરમપુરમાં ૬૨ મી.મી અને કપરાડામાં ૯૬ મી.મી. વરસાદ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન નોંધાયેલા આ બે ઇંચ જેટલા વરસાદની સાથે જિલ્લામાં મોસમનો આજદિન સુધીનો કુલ ૭૨.૪૬ ઇંચ વરસાદ વરસી ચૂકયો છે. મોસમના કુલ વરસાદની તાલુકાવાર વિગત જોઇએ તો વલસાડમાં ૧૯૨૧ (૭પ.૬૩ ઇંચ) મી.મી., પારડીમાં ૧૬૮૪ મી.મી. (૬૬.૩૦ ઇંચ), વાપીમાં ૧૬૨૯ મી.મી. (૬૪.૧૩ ઇંચ), ઉમરગામમાં ૨૦૦૬ મી.મી. (૭૮.૯૮ ઇંચ), ધરમપુરમાં ૧૮૬૯ મી.મી. (૭૩.૫૮ ઇંચ) અને કપરાડામાં ૧૯૩૪ મી.મી. (૭૬.૨૪ ઇંચ) વરસાદ વરસ્યો છે.
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें